Joshi 2

GSEB Sanskrit std 11 chapter 3 Varsha Varnanam - bhashantar with swadhyay

  ધોરણ 11 પાઠ - 3. वर्षावर्णनम् 

    મહર્ષિ વેદવ્યાસે અઢાર પુરાણોની રચના કરી છે. અઢાર પુરાણોમાં ભાગવતપુરાણ ઉત્તમ મનાય છે. તેમાં કુલ બાર સ્કન્ધ અને અઢાર હજાર શ્લોકો આવેલા છે. ભાગવતપુરાણના દસમા સ્કન્ધના વીસમા અધ્યાયમાં વર્ષા અને શરદ ઋતુનું સુંદર વર્ણન પ્રાપ્ત થાય છે. તેમાંથી વર્ષાઋતુને લગતા સાત શ્લોકો અહીં લેવામાં આવ્યા છે.

     વર્ષાઋતુનું આગમન થતાં જ વાદળની ગર્જના અને વીજળીના ચમકારાથી આકાશ છવાઈ જાય છે. વાદળોમાંથી જળની ધારાઓ વરસવા લાગે છે. વરસાદનું આગમન થતાં ધરતી સુંદર બનીને શોભવા લાગે છે. ધનધાન્યથી ભરપૂર ખેતરો જોઈને ખેડૂતો ખુશ થઈ જાય છે. જળચર અને સ્થળચર પ્રાણીઓ એકદમ નવું રૂપ ધારણ કરે છે. ચારે બાજુ નવું ઘાસ ઊગી નીકળે છે. તેથી રસ્તાઓ ઢંકાઈ જાય છે. વર્ષાનું આગમન મયૂરો માટે તો ઉત્સવ બની જાય છે. તેઓ મધુર ટહુકાઓ કરીને પોતાની ખુશી વ્યક્ત કરે છે.

      આ કાવ્યની ખૂબી એ છે કે તેમાં વર્ષા ઋતુનું વર્ણન અત્યંત સુંદર શબ્દોમાં થયું છે. અહીં ઉપમા અલંકારનો પ્રયોગ રમણીય છે. વળી, ઉપમાન તરીકે પસંદ કરેલા પદાર્થો ખૂબ જ આકર્ષક છે. જેમકે - ત્રીજા પદ્યમાં રાત્રિના પ્રારંભે અંધારામાં ચમકતા આગિયાઓને પાખંડી લોકો સાથે અને નહિ દેખાતા ગ્રહોને વેદો સાથે સરખાવ્યા છે. કલિયુગમાં પાપનું સામ્રાજ્ય પ્રવર્તે છે. તેથી પાખંડીઓનો પ્રભાવ જોવા મળે છે, જ્યારે વેદો સાવ ભૂલાઈ જાય છે. છઠ્ઠા શ્લોકમાં ઘાસથી ઢંકાઈ ગયેલા માર્ગોને અભ્યાસના અભાવે વીસરાઈ ગયેલા વેદજ્ઞાન સાથે અને સાતમા શ્લોકમાં વાદળોના આગમનથી હરખાઈ ગયેલા મયૂરોને ગૃહસ્થ લોકો સાથે સરખાવવામાં આવ્યા છે. પાંચમા શ્લોકમાં નવિિનષેવયા અને નિષેવયા શબ્દોના પ્રયોગમાં યમકની ચમત્કૃતિ છે. આ બધાં પદ્યો અનુષ્ટુપ્ છંદમાં છે.


ततः प्रावर्तत प्रावृद् सर्वसत्त्वसुखप्रदा ।

 विद्योतमानपरिधिर्विस्फूर्जितनभस्तला ॥ १ ॥

- પછી સર્વ પ્રાણીઓને સુખ આપનારી, ચમકતા તેજોવર્તુળવાળી અને ખળભળતા – ગરજતા આકાશવાળી વર્ષાઋતુ શરૂ થઈ.


अष्टौ मासान् निपीतं यद् भूम्या जलमयं वसु ।

स्वगोभिर्मोक्तुमारेभे भास्करः काल आगते ॥ २ ॥

- સમય આવ્યો ત્યારે આઠ મહિના ધરતીએ જે પાણીરૂપી દ્રવ્ય પીધું હતું તેને સૂર્યે પોતાનાં કિરણો વડે છોડવાની શરૂઆત કરી.


निशामुखेषु खद्योतास्तमसा भान्ति न ग्रहाः ।

 यथा पापेन पाखण्डा न हि वेदाः कलौ युगे ॥ ३॥

- રાત્રિના પ્રારંભકાળે કળિયુગમાં જેમ પાપ વડે પાખંડી લોકો, તેમ અંધારામાં આગિયાઓ શોભે છે; (નહિ દેખાતાં) ગ્રહોની માફક વેદો શોભતા નથી.


क्षेत्राणि सस्यसम्पद्भिः कर्षकाणां मुदं ददुः । 

धनिनामुपतापं च दैवाधीनमजानताम् ॥ ४ ॥

- ખેતરો ધાન્યરૂપી સંપત્તિ વડે ખેડૂતોને આનંદ આપવા લાગ્યાં; ધનવાનોને ધનની ઉષ્મા (ધનની ગરમી) તથા ન જાણતાઓને ભાગ્યને અધીન હોય તે આપવા લાગ્યાં.


जलस्थलौकसः सर्वे नववारिनिषेवया । 

अबिभ्रद् रुचिरं रूपं यथा हरिनिषेवया ॥ ५ ॥

- બધાં જળ અને સ્થળમાં રહેનારાંઓએ નવા જળનું સેવન કરવાથી, (ભક્ત) જેમ ભગવાનની સેવા કરી રમણીય રૂપ ધારણ કરે તેમ, રમણીય રૂપ ધારણ કર્યું હતું.


मार्गा बभूवुः सन्दिग्धास्तृणैश्छन्ना ह्यसंस्कृताः । 

नाभ्यस्यमानाः श्रुतयो द्विजैः कालहता इव ॥६॥

- બ્રાહ્મણોથી અભ્યાસ – સ્વાધ્યાય નહિ કરવામાં આવતાં, સમય આવ્યે નાશ પામનારા વેદોની માફક, સરખાં ન કરવામાં આવેલા માર્ગો ઘાસથી છવાયેલા, અસ્પષ્ટ અને ધૂંધળા બન્યા.


मेघागमोत्सवा हृष्टाः प्रत्यनन्दन् शिखण्डिनः। 

गृहेषु तप्ता निर्विण्णा यथा भगवज्जनागमे ॥ ७ ॥

- જેમ ભગવાનના ભક્તોનું આગમન થતાં, ઉદાસ રહેલા સંતાપ પામેલા ગૃહસ્થો આનંદ અનુભવે છે. તેમ વાદળાંના આગમનને ઉત્સવ માનનારા હર્ષ પામેલા મયૂરો નાચી ઊઠ્યા.


• વિદ્યાર્થી-મિત્રો , જો તમને આપડી આ પોસ્ટ ગમી હોય તો તમારાં ઓછાંમાં ઓછા 5 મિત્રો ને send કરવાનું ભૂલતા નહીં.

• તમારું share , Subscribe અને like અમને હજુ વધારે આ કામ કરવામાં ઉત્સાહિત કરશે...

Subscribe my YouTube channel - omkar Education Education

સ્વાધ્યાય video on યુટ્યુબ - 


                              સ્વાધ્યાય


પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો :

 1. कीदृशी प्रावृट् प्रावर्तत?

A. सर्वसत्त्वभयावहा

B. सर्वसत्त्वमनोहरा

C. सर्वसत्त्वसुखप्रदा.  

D. सर्वसत्त्वविनाशिका


2. भास्करः भूम्याः कीदृशं वसु पिबति

A. सुवर्णमयम् 

 B. जलमयम्

C. धातुमयम् 

 D. मृण्मयम्


 3. कलौ युगे पापेन के भान्ति ?

A. खद्योता: 

B. पाखण्डा:

C. अधर्मा: 

 D. ग्रहाः


 4. सस्यसम्पद्भिः क्षेत्राणि केषां मुदं ददुः ?

A. धनिनाम् 

B. ब्राह्मणानाम्

C. शिखिनाम् 

D. कर्षकाणाम्


 5. वर्षाकाले मार्गाः कीदृशाः भवन्ति ?

A. सुस्पष्टाः. 

B. रुचिरा:

C. सन्दिग्धाः 

 D. रम्या:


 6. मेघागमेन के हृष्टाः भवन्ति?

A. भक्ता:

B. खद्योता:

C. शिखण्डिन: 

 D. वृषभाः


प्रश्न 2. નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો.

 ( 1 ) सूर्यः कति मासान् भूम्याः वसु पिबति ?

उत्तरम् - सूर्य:  अष्टौ  मासान् भूम्याः वसु पिबति ।


 ( 2 ) निशामुखेषु के भान्ति, के न भान्ति ?

उत्तरम् - निशामुखेषु खद्योता: भान्ति, ग्रहाः न भान्ति । 


 ( 3 ) क्षेत्राणि कथं कर्षकाणां मुदं ददुः ?

उत्तरम् - क्षेत्राणि सस्यसम्पद्भिः कर्षकाणां मुदं ददुः ।


 ( 4 ) अनभ्यस्यमानाः श्रुतयः कीदृश्यः भवन्ति ?

उत्तरम् - द्विजैः अनभ्यस्यमानाः श्रुतयः कालहताः भवन्ति ।


પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર લખો :

( 1 ) વર્ષાઋતુનો આરંભ થતાં આકાશ કેવું બની જાય છે? 

 - : વર્ષાઋતુનો આરંભ થતાં આકાશ વાદળવાળું બની જાય છે. તે ચમકતા વીજળીના વર્તુળવાળું અને વાદળાંના ગડગડાટવાળું થઈ જાય છે.


( 2 ) આગિયાઓના પ્રકાશને કોની સાથે સરખાવ્યો છે ? 

  - : આગિયાઓના પ્રકાશને ધૂર્ત લોકોના પ્રભાવ સાથે સરખાવવામાં આવ્યો છે. આગિયાઓનો પ્રકાશ થોડા સમય માટે હોય છે. 


( ૩ ) ધાન્યથી ભરેલાં ખેતરો જોઈને કોણ સંતાપ પામે છે? શા માટે?

 - : ધાન્યથી ભરેલાં ખેતરો જોઈને ધનવાનો સંતાપ પામે છે. તેમને ખેતરોમાં ખૂબ ધાન્ય જોઈ એ ધાન્યનું કેમ અને કેટલું વિતરણ ક્યાં કરવું તેની ચિંતા હોય છે.


( 4 ) વર્ષાઋતુમાં રસ્તાઓ કેવા બની જાય છે? તેમને વેદ સાથે કેમ સરખાવ્યા છે?

 - : વર્ષાઋતુમાં રસ્તાઓ ધૂંધળા – અસ્પષ્ટ અને ઘાસથી છવાયેલા તથા ખાડાટેકરાવાળા થઈ જાય છે. ઘાસથી ઢંકાઈ ગયેલા માર્ગોને અભ્યાસના અભાવે વિસરાઈ ગયેલા વેદો સાથે સરખાવ્યા છે.


( 5 ) મયુરોના હર્ષ પામવાની બાબતને કોની ઉપમા આપવામાં આવી છે?

 - : મયુરો આકાશમાં વાદળાંના આગમનને ઉત્સવ માનીને અત્યંત હર્ષિત થઈ જાય છે અને કળા કરીને નાચવા લાગે છે. તેમના હર્ષ પામવાની બાબતને – ભગવાનના ભક્તલોકોના આવવાથી આનંદ અનુભવતાં ગૃહસ્થ લોકોની ઉપમા આપવામાં આવી છે.


 પ્રશ્ન 4. સમીક્ષાત્મક નોંધ લખો :

  • ‘ वर्षावर्णनम् ' પઘને આધારે વર્ષાઋતુનું વર્ણન તમારા શબ્દોમાં આલેખો.

ઉત્તર :  ' पुराणेषु भागवतम् '  અર્થાત્  મહર્ષિ વ્યાસજીના અઢાર પુરાણોમાં ભાગવતપુરાણ શ્રેષ્ઠ ગણાય છે. તેમાં દસમા સ્કંધના વીસમા અધ્યાયમાં વર્ષા અને શરદ ઋતુનું અદ્ભુત વર્ણન પ્રાપ્ત થાય છે. તેમાંથી વર્ષાઋતુને લગતા સાત શ્લોકો આ પાઠમાં લેવામાં આવ્યા છે.

                 વર્ષાઋતુનું આગમન થતાં જ વાદળાંના ગડગડાટ અને વીજળીના ચમકારાથી આકાશ છવાઈ જાય છે. વાદળો જળધારાઓ વરસાવવા માંડે છે. વરસાદનું આગમન થતાં ધરતીની સુંદરતા વધી જાય છે. ધનધાન્યથી સમૃદ્ધ બનેલાં ખેતરો નિહાળીને ખેડૂતો ખુશખુશાલ થઈ જાય છે. જળચર અને સ્થળચર પ્રાણીઓ એકદમ નવા રૂપમાં આવી જાય છે. ચોમેર નવું ઘાસ ઊગી નીકળે છે અને તેનાથી માર્ગો આચ્છાદિત થઈ જાય છે. વર્ષારાણીનું આગમન મયૂરો માટે તો જાણે ઉત્સવ ! તેઓ કર્ણપ્રિય અવાજ કરીને પોતાની પ્રસન્નતા પ્રગટ કરે છે.

               આ કાવ્યમાં ઉપમા અલંકારનો પ્રયોગ કાલિદાસની જેમ સુંદર રીતે થયો છે. ત્રીજા પદ્યમાં ઉપમાન તરીકે પસંદ કરાયેલા પદાર્થો અત્યંત આકર્ષક છે. રાત્રિના આરંભે અંધકારમાં ચમકતા આગિયાઓને પાખંડી લોકો સાથે અને ન દેખાતા ગ્રહોને વેદો સાથે સરખાવવામાં આવ્યા છે. કલિકાળમાં પાપનું સામ્રાજ્ય પ્રવર્તે છે એટલે પાખંડીઓનો પ્રભાવ જોવા મળે છે અને વેદો સાવ વિસરાઈ જાય છે. ચોથા પદ્યમાં ખેતરો પોતાની ધાન્ય-સમૃદ્ધિથી ખેડૂતોને પ્રસન્ન કરી દે છે. પાંચમા પદ્યમાં અમુક શબ્દોના પ્રયોગમાં યમક અલંકારની ચમત્કૃતિ કાવ્ય-ની શોભા વધારે છે. છઠ્ઠા પદ્યમાં ઘાસ થી છવાયેલા માર્ગોને સ્વાધ્યાયના અભાવે વિસ્તૃત થઈ ગયેલા વેદો સાથે સરખાવવામાં આવ્યા છે અને સાતમા પદ્યમાં વાદળોના આગમનથી હરખાઈ ગયેલા મયૂરોને ઘરમાં રહેતા સંસારીઓ સાથે સરખાવવામાં આવ્યા છે. આ બધાં પઘો અનુષ્ટુપ્ છંદમાં છે. આમ , વર્ષાઋતુ નું વર્ણન વ્યાસજી દ્વારા અદ્ભુત થયેલું જોવા મળે છે.


 પ્રશ્ન 5. નીચેની પંક્તિઓ સસંદર્ભ સમજાવો :

( 1 ) स्वगो भिर्मो क्तुमारेभे भास्करः काल आगते ।

 - : અનુવાદ : સમય આવ્યો ત્યારે સૂર્યે પોતાનાં કિરણો વડે (જળ) છોડવા માંડ્યું. 

સ્પષ્ટીકરણ : આ પ્રસ્તુત પંક્તિ મહર્ષિ વેદવ્યાસરચિત 'श्रीमद् भागवत-पुराणम्'ના દસમા સ્કંધમાં આવતાં ‘वर्षावर्णनम्’ નાં પદ્યશ્લોકોમાંથી લેવામાં આવી છે. ‘वर्षावर्णनम् ’ના આ શ્લોકમાં જણાવવામાં આવ્યું છે  ‘સમય આવ્યો ત્યારે આઠ મહિના ધરતીનું જે જળરૂપી દ્રવ્ય પીધેલું તેને સૂર્યે પોતાનાં કિરણો વડે છોડવાની શરૂઆત કરી.’

       વર્ષાઋતુનું આગમન થતાં જ વાદળાંઓના કડાકા-ભડાકા અને વીજળીના ચમકારાથી આકાશ છવાઈ જાય છે. આઠ આઠ માસ જે જળરૂપી દ્રવ્ય પોતાના ગરમ કિરણોથી ધરતીનું પીધેલું તે બધું સૂર્ય પોતાનાં કિરણોની સહાયતાથી જળની ધારાઓ રૂપે વરસાવવા લાગે છે. ધરતી અને સુર્ય વચ્ચે થયેલ આ આદાનપ્રદાનનો ખેલ અદ્ભુત છે.

                પ્રસ્તુત પંક્તિથી એટલું સ્પષ્ટ થાય છે કે સૂર્ય પણ જાણે વ્યવહારકુશળ વ્યક્તિ હોય તેમ બીજા ની લીધેલી વસ્તુ પાછી આપવી જોઇએ એ નિયમ પ્રમાણે ધરતીની પાસેથી લીધેલું જળરૂપી દ્રવ્ય પાછું આપવા અધીરો બન્યો  છે.


( 2 ) यथा पापेन पाखण्डा न हि वेदाः कलौ युगे।

  - :અનુવાદ : કળિયુગમાં જેમ પાપ વડે પાખંડી લોકો ( શોભે છે); કળિયુગમાં વેદો તો લુપ્ત થઈ રહ્યા છે.

સ્પષ્ટીકરણ :આ પ્રસ્તુત પંક્તિ મહર્ષિ વેદવ્યાસરચિત 'श्रीमद् भागवत-पुराणम्'ના દસમા સ્કંધમાં આવતાં ‘वर्षावर्णनम्’ નાં પદ્યશ્લોકોમાંથી લેવામાં આવી છે. ‘वर्षावर्णनम् ’ના આ શ્લોકમાં જણાવવામાં આવ્યું છે   કે ‘ રાત્રિના આરંભના સમયે જેમ આગિયાઓ શોભે છે તેમ કળિયુગમાં પાપ વડે પાખંડી લોકો શોભી રહ્યા છે. રાત્રે જેમ ગ્રહો દેખાતા નથી તેમ વેદો પણ ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યા છે.

        કળિયુગમાં વેદનો પ્રભાવ નષ્ટ થાય છે અને પાખંડીઓની વાહ વાહ ચારે બાજુ જોવા મળે છે. તેથી આગિયાઓની ચમકને પાખંડીઓના પ્રભાવ અને ગ્રહોના પ્રકાશને વેદના જ્ઞાન સાથે સરખાવવામાં આવેલ છે. આગિયાઓનો પ્રકાશ બહુ થોડા સમયમાં નાશ પામે છે, તેમ પાખંડીઓનો પ્રભાવ પણ અલ્પકાલીન રહે છે અને વેદોનો પ્રભાવ ગ્રહોની જેમ દીર્ઘ કાલીન હોય છે.

      આ પંક્તિમાં આગિયાઓને પાખંડી લોકો સાથે અને ગ્રહો-નક્ષત્રોને વેદ સાથે સરખાવીને યથાર્થ ઉપમાનો પ્રસ્તુત કરાયાં છે. જે અહી સાર્થક લાગે છે.


( ૩ ) गृहेषु तप्ता निर्विण्णा यथा भगवज्जनागमे ।

  - : અનુવાદ : જેમ ભગવાનના ભક્તોનું આગમન થતાં, ઉદાસ રહેલા સંતાપ પામેલા ગૃહસ્થો હોય છે તેમ ...

સ્પષ્ટીકરણ : આ પ્રસ્તુત પંક્તિ મહર્ષિ વેદવ્યાસરચિત 'श्रीमद् भागवत-पुराणम्'ના દસમા સ્કંધમાં આવતાં ‘वर्षावर्णनम्’ નાં પદ્યશ્લોકોમાંથી લેવામાં આવી છે. ‘वर्षावर्णनम् ’ના આ શ્લોકમાં જણાવવામાં આવ્યું છે  કે જેમ ભગવાનના ભક્તોનું આગમન થતાં, ઉદાસ રહેલા સંતાપ પામેલા ગૃહસ્થ સંસારીઓ આનંદ અનુભવે છે તેમ વાદળાંના આગમનને ઉત્સવ ગણનારા હર્ષ પામેલા મયુરો નાચી ઊઠ્યા.’

             જે પ્રમાણે ભગવાનના ભક્તો ઘરે પધારે તો ઉદાસ રહેલા સંતાપ પામેલા સંસારીઓને આનંદ થાય છે અને તેઓ પ્રભુભક્તોનું અત્યંત ઉમળકાભેર સ્વાગત કરે છે અને તેમની અંતઃકરણપૂર્વક આગતા-સ્વાગતા કરે છે. તે જ પ્રમાણે, મયૂરોને વાદળાંનું આગમન ખૂબ ગમે છે; તેઓ પણ હરખાઈને નાચવા લાગે છે. તેઓ સુંદર કળા કરીને પ્રકૃતિની શોભામાં અભિવૃદ્ધિ કરે છે.

         મયૂરોને માટે વાદળાંનું આગમન ઉત્સવરૂપ બની જાય છે જે રીતે સંસારીઓને માટે ભક્તજનોની પધરામણી પ્રસન્નતાદાયક બની જાય છે. આમ , અહી ઉદાહરણ દ્વારા વર્ષા ઋતુના આગમન-સમયનું અદ્ભુત વર્ણન જોવા મળે છે.


( 4 ) मार्गा बभूवुः सन्दिग्धास्तृणैश्छन्ना ह्यसंस्कृताः । 

 - : અનુવાદ : માર્ગો ઘાસથી છવાયેલાં , અસ્પષ્ટ  અને ખાડાટેકરાવાળા થઈ ગયા.

સ્પષ્ટીકરણ : આ પ્રસ્તુત પંક્તિ મહર્ષિ વેદવ્યાસરચિત 'श्रीमद् भागवत-पुराणम्'ના દસમા સ્કંધમાં આવતાં ‘वर्षावर्णनम्’ નાં પદ્યશ્લોકોમાંથી લેવામાં આવી છે. ‘वर्षावर्णनम् ’ના આ શ્લોકમાં જણાવવામાં આવ્યું છે  કે ‘બ્રાહ્મણો દ્વારા અભ્યાસ ન થવાથી જેમ વેદો સમય આવ્યે વિસરાઈ ગયા તેમ માર્ગો ઘાસથી છવાયેલા અસ્પષ્ટ  અને ખાડાટેકરાવાળા થઈ ગયા.

       બ્રાહ્મણોથી સ્વાધ્યાય નહિ કરવામાં આવતાં જેમ વેદો  અમુક સમય પછી ભુલાઈ જાય છે, તેમ વર્ષાઋતુમાં માર્ગો ઘાસથી છવાઈ જાય છે એટલે એકદમ અસ્પષ્ટ અને ધૂંધળા થઈ જાય છે તેમજ અસમતળ એટલે કે ખાડાટેકરાવાળા બની જાય છે.

        આમ , આ શ્લોકમાં સચોટ અને સમજુતી પૂર્ણ વાત કરવામાં આવી છે.

                            धन्यवादाः
             जयतु संस्कृतम्      जयतु भारतम्

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.